લૉકડાઉન 4.0 : 31મી મે સુધી લાગુ, NDMAએ કરી જાહેરાત, નવી ગાઇડલાઇન્સ ટૂંક સમયમાં.
નેશનલ ડિઝાર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા તા. 31મી મે સુધી લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
જોકે, ચોથા તબક્કાની વિશેની ગાઇડલાઇન્સ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવશે, જોકે તે અગાઉના ત્રણ તબક્કા કરતાં અલગ હશે.
14 દિવસીય ત્રીજા તબક્કાના લૉકડાઉનનો રવિવારે અંતિમ દિવસ છે.
ગુજરાત સરકારે કેન્દ્રીય માર્ગદર્શિકાના આધારે તબક્કાવાર છૂટછાટો આપવાનું વલણ અપનાવ્યું છે. કેસ તથા મરણાંકની દૃષ્ટિએ રાજ્ય દેશમાં બીજાક્રમે છે.
ગત સપ્તાહે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર જણાવ્યું હતું કે 'તા. 18મી મે પહેલાં ચોથા તબક્કાના લૉકડાઉન વિશેની માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવશે. ચોથો તબક્કો અલગ જ કલેવરમાં હશે' પરંતુ તેનું સ્વરૂપ કેવું હશે તે અંગે મોદીએ કોઈ ફોડ પાડ્યો ન હતો.
ચોથા તબક્કાનું લૉકડાઉન
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર તથા તેલંગણાએ તા. 31મી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.
પંજાબે રાજ્યમાંથી કર્ફ્યૂ ઉઠાવી લીધો છે, પરંતુ તા. 31મી મે સુધી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા રવિવારની સાંજ સુધી માર્ગદર્શિકા અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં ન આવ્યા હોવાથી પશ્ચિમ બંગાળ સરકારે 'યથાસ્થિતિ' જાળવી રાખવાનો આદેશ કર્યો છે, જ્યારે કર્ણાટકની સરકારે બે દિવસ માટે લૉકડાઉન લંબાવ્યું છે.
વડા પ્રધાન સાથેની બેઠક દરમિયાન અનેક રાજ્યોના મુખ્ય પ્રધાને ચોથા તબક્કાનું લૉકડાઉન લાગુ કરવા સૂચન કર્યું હતું.
ચોથા તબક્કામાં ગ્રીન ઝોનમાં વ્યાપક તથા ઑરૅન્જ ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવશે, તેવા અહેવાલ છે, જ્યારે રેડઝોન તથા કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં અગાઉની જેમ જ નિષેધાત્મક આદેશો લાગુ રહેશે.
ગુજરાતમાં લૉકડાઉન
કામ | ગ્રીન ઝોન | ઑરૅન્જ ઝોન | રેડ ઝોન |
---|---|---|---|
સિટી બસ અને મૅટ્રો | ના | ના | ના |
આંતરરાજ્ય બસ | ના | ના | ના |
આંતરજિલ્લા બસ | હા | ના | ના |
જિલ્લામાં એસ.ટી. બસ | હા | ના | ના |
શૈક્ષણિક સંસ્થા-ટ્યુશન ક્લાસ | ના | ના | ના |
ચાની કિટલી | હા | હા | ના |
ધાર્મિક સ્થળ | ના | ના | ના |
હોટલ-મૉલ | ના | ના | ના |
દારૂની દુકાન | ના | ના | ના |
પાન, બીડી-સિગારેટ | ના | ના | ના |
મેડિકલ સ્ટોર | હા | હા | હા |
કેબ - ટૅક્સી | 1+2 | 1+2 | ના |
ફૉર વ્હિલર | 1+2 | 1+2 | 1+2 |
ટુ વ્હિલર | 1 | 1 | 1 |
માલવાહક વાહનો | હા | હા | હા |
ઔદ્યોગિક ઉત્પાદન | હા | હા | ના |
એકલ દુકાનો | હા | હા | હા |
આવશ્યક ચીજો વેચતી દુકાન | હા | હા | હા |
ઈ-કૉમર્સ (આવશ્યક ચીજો) | હા | હા | હા |
ખાનગી ઑફિસ | હા | હા | 33% |
સરકારી ઑફિસ | હા | હા | 33% |
ખેતીકામ | હા | હા | હા |
બૅન્ક | હા | હા | હા |
કુરિયર, ટપાલવિભાગ | હા | હા | હા |
સલૂન અને બ્યુટી-પાર્લર | હા | હા | ના |