મોદી સરકારનાં 6 વર્ષ પૂર્ણઃ કેન્દ્ર સરકારની 6 મોટી સફળતાઓ.
નરેન્દ્ર મોદીએ દેશની ધૂરા પહેલી 16 મે, 2014ના રોજ સંભાળી હતી અને 30 મે, 2019ના રોજ તેઓ બીજી વાર પ્રધાનમંત્રી બન્યાં હતાં. આ રીતે મોદી સરકાર 2.0ની પહેલી વર્ષગાંઠ નજીકમાં છે અને કેન્દ્રમાં મોદી સરકાર છ વર્ષ પૂર્ણ કરશે. મોદી સરકારે પોતાના છ વર્ષના કાર્યકાળમાં રાજકીય ઇચ્છાશક્તિ ધરાવતી સરકાર પોતાના નિર્ણયોથી કેવી રીતે રાજનીતિની દિશા અને દશા બદલી શકે છે એ દેખાડી દીધું છે. આવો મોદી સરકારની છ સિદ્ધિઓ પર નજર નાંખીએ, જેના પર દેશની સાથે દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે.
સર્જિકલ સ્ટ્રાઇક
જ્યારે ઉડીમાં આતંકવાદી હુમલો થયા પછી 28 સપ્ટેમ્બર, 2016ના રોજ અડધી દુનિયા સૂતી હતી, ત્યારે ભારતીય સેનાની સ્પેશ્યલ ફોર્સ પાકિસ્તાનનાં નાપાક કૃત્ય પર ઇંટનો જવાબ પત્થરથી આપી રહી હતી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનનાં કબજામાં રહેલા કાશ્મીરમાં આતંકવાદીઓના લોંચ પેડ પર હુમલો કરીનો એનો નાશ કર્યો હતો. પછી જ્યારે પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને વળતો તમાચો માર્યો હતો. ભારતીય જવાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આતંકવાદી થાણાઓને નેસ્તોનાબૂદ કરી દીધા હતા.
જનકલ્યાણકારક યોજનાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014ના રોજ દેશની જનતાને બેંકિંગ સાથે જોડવા માટે જનધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત 31.31 કરોડ લોકોના ખાતા ખોલવામાં આવ્યાં. દેશના ગરીબ પરિવારોને પણ ગેસની સુવિધાનો લાભ મળે એ માટે મોદી સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ કુટુંબોને નિઃશુલ્ક સિલિન્ડર આપવામાં આવ્યાં. સરકાર આંકડા અનુસાર, 3 કરોડ કુટુંબોને આ યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં છે.
જીએસટી અને સવર્ણોને અનામત
મોદી સરકારે સત્તામાં આવ્યાના ત્રણ વર્ષ પછી જીએસટીને સંસદમાં પસાર કરીને 1 જુલાઈ, 2017થી એનો અમલ શરૂ કર્યો. દેશમાં પરોક્ષ કરવેરાના સુધારાની દિશામાં આ સૌથી મોટું પગલું હતું. જીએસટી લાગુ કરવાનો ઉદ્દેશ એક દેશ, એક વેરો વ્યવસ્થાનો અમલ કરવાનો છે. પછી જાન્યુઆરી, 2019માં સવર્ણ સમુદાયને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. આ રીતે સવર્ણ સમુદાયના લોકો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આર્થિક આધારે અનામતનો લાભ મેળવી રહ્યાં છે.
કલમ 370 રદ કરી
મોદી સરકારે બીજા કાર્યકાળમાં સૌથી ઐતિહાસિક નિર્ણય લઈ જમ્મુ-કાશ્મીરના સંબંધમાં લઈને બંધારણની કલમ 370 રદ કરી દીધી. રાજ્યને બે ભાગમાં વિભાજીત કર્યું – જમ્મુ અને કાશ્મીર તથા લડાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરવામાં આવ્યું. મોદી સરકારનાં આ નિર્ણય પછી કાશ્મીરમાં એક દેશ, એક કાયદો અને એક નિશાન લાગુ થઈ ગયા.
લઘુમતી સમુદાય સાથે સંબંધિત નિર્ણયો
નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ કાર્યકાળમાં વર્ષ 2018માં મુસલમાનોને હજ યાત્રા માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું. એનાથી સરકારને દર વર્ષે 700 કરોડ રૂપિયાની બચત થઈ. સાથે સાથે સરકારે 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતી મહિલાઓને એકલા હજ કરવાની મંજૂરી આપી દીધી. મોદી સરકારે બીજા કાર્યકાળમાં મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકની અન્યાયકારક પ્રથામાંથી મુક્તિ અપાવી. મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાને 10 જાન્યુઆરી, 2020ના રોજ પસાર કર્યો. આ કાયદાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી અને યહૂદીને ભારતીય નાગરિકતા મળી શકે છે.
ભારતની આંતરરાષ્ટ્રીય ઓળખ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી દુનિયાના તમામ દેશોની સાથે ભારતના સંબંધ ગાઢ થયા અને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ કાર્યકાળમાં 50થી વધારે દેશોનો પ્રવાસ કર્યો અને બીજા કાર્યકાળમાં લગભગ 10 દેશોનો પ્રવાસ કર્યો છે. સાઉદી અરબથી લઈને યુએઈ સહિત તમામ ઇસ્લામિક દેશોએ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર સંયુક્ત રાષ્ટ્રએ દર વર્ષે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો.