એમ્ફાન વાવાઝોડું ક્યાં ટકરાશે ? કેટલી ઝડપે ફૂંકાશે પવન, જાણો વિગતે.
ભારતના દરિયાકાંઠાના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકાબોરમાં સૌથી વધારે અસર થશે.
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદભવેલું 'એમ્ફાન' વાવાઝોડું ભારતના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતના દરિયાકાંઠાના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકાબોરમાં સૌથી વધારે અસર થશે.
ભુવનેશ્વરના હવામાન વિભાગના ડાયરેક્ટર એચ.આર.વિશ્વાસે કહ્યું, 20 મેના રોજ બપોરથી સાંજ વચ્ચે એમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી બાંગ્લાદેશના હાથી ટાપુ વચ્ચે ત્રાટકવાની આશંકા છે. જેના કારણે ઓડિશામાં ભારે વરસાદ થશે. વાવાઝોડાના પ્રભાવથી 19મેથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દબાણ રવિવારે સાંજે ભયંકર ચક્રવાતમાં બદલાઈ શકે છે અને 18 થી 20 મે દરમિયાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વધવાની તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ વધવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે અને જે લોકો માછીમારી કરવા ગયા છે તેમને 17 મે સાંજ સુધીમાં પરત ફરવા કહ્યું છે.
એમ્ફાનના કારણે દરિયાકાંઠાના રાજ્યમાં 22 મે સુધી આશિંક વાદળ છવાયેલા રહી શકે છે. 18 મેના રજ 30 થી 40 કિમી પ્રતિ કલાક અને 19 થી 20 મે સુધી 40થી 50 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે.