વિશ્વનો પહેલો રોબોટ જે જાતે જ કોરોના દર્દીનો ટેસ્ટ કરી લેશે.
દુનિયાભરમાં 59 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. એવામાં ડેનમાર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ બનાવ્યો છે, જે જાતે જ ટેસ્ટ માટે સ્વેબ લઇને તેને સુરક્ષિત રાખવાનું કામ કરી લે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સેમ્પલ લેનારા સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણથી બચાવી શકાશે. યુનિ. ઑફ સધર્ન ડેનમાર્કએ આ રોબોટ વિકસાવ્યો છે. તે કોરોનાના ટેસ્ટ માટેનો વિશ્વનો પ્રથમ ઓટોમેટિક રોબોટ છે.
દર્દી આ રોબોટની સામે બેસીને મોઢું ખોલે છે અને રોબોટ તેના મોઢામાં સ્વેબ નાખે છે. પછી સેમ્પલ લઇને રોબોટ તે સ્વેબને ટેસ્ટ ટ્યૂબમાં મૂકીને પેક કરી દે છે. સ્વેબ ટેસ્ટ સૌથી સચોટ હોય છે પણ તેમાં સેમ્પલ લેનારને પણ સંક્રમિત થવાનું જોખમ રહે છે. આ સમગ્ર કામગીરીમાં રોબોટના ઉપયોગથી તે જોખમ દૂર થઇ જશે. થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનેલા આ રોબોટનો ઉપયોગ જૂનથી શરૂ થઇ શકે છે
રોબોટ બનાવનારા પ્રો. થિયુસિયુસ રજીત સવારીમુથુ જણાવે છે કે સૌપ્રથમ મારો ટેસ્ટ કર્યો. રોબોટે ગળામાં સ્વેબ જ્યાં પહોંચાડવાનો હતો તે જગ્યાએ સહેલાઇથી પહોંચાડ્યો તે જોઇને હું દંગ રહી ગયો. આ મોટી સફળતા છે. તેઓ એક મહિનાથી 10 લોકોની ટીમ સાથે રોબોટ ડેવલપ કરવામાં વ્યસ્ત હતા. હાલ સેમ્પલ લેતી વખતે સ્વાસ્થ્યકર્મીઓએ પીપીઇ કિટ પહેરવી પડે છે, જે ફરી ઉપયોગમાં પણ નથી લઇ શકાતી. તેથી સ્વાસ્થ્યકર્મીઓ પાસેથી આશા રખાય છે કે તેઓ ઓછામાં ઓછા 8-9 કલાક સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરતા રહે. એવામાં રોબોટથી ઘણી મદદ મળશે.