અમદાવાદ / અમદાવાદની સિવિલમાં દર્દીઓ અને પરિવાર માટે મુશ્કેલીઓનો ડબલ ડોઝ.
કોરોના વાયરસના દર્દીઓના મોત બાદ તેમનો સામાન પરિવાર સુધી નથી પહોંચતો. આ મામલે વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. મનપા કાઉન્સિલર દ્વારા આ મામલે સીએમ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ પણ આપ્યો હતો પરંતુ કોરોનાના દર્દીઓના દાગીના અને કિંમતી વસ્તુઓ ચોરી થવાનો સિલસિલો અટકી નથી રહ્યો. અરે ખુદ દર્દીના મૃત્યુના કંઈ કેટલાય દિવસો બાદ તેમના મોત અંગે પરિવારને જણાવવામાં આવે છે એટલું જ નહીં શોધખોળ બાદ તેમની લાશ મળી આવે છે.
- સિવિલમાંથી કોરોનાના દર્દીઓના દાગીનાની ચોરી
- મૃતકોના શરીર પરથી ઉતરી રહ્યા છે ઘરેણા
- 4 જેટલી પોલીસ ફરિયાદ થઈ છે
કોરોના સંકટમાં માનવ સ્વભાવના વરવા અને સારા તમામ સ્વભાવ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ બે મોઢા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે ત્યારે હવે કોરોના વોર્ડમાં દર્દીઓ પાસેની વસ્તુઓનું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવી રહ્યુ છે.
કુબેરનગરના છારાનગરમાં રહેતા 45 વર્ષના ઉમેશભાઈને કોવિડ 19 હોસ્પિટલમાં 11મી મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા અને 16મી મેના જ્યારે તે વેન્ટિલેટર ઉપર હતા ત્યારે તેમનું મોત થયું હતુ. આ દર્દીની 10000ની ટાઈટનની ઘડિયાળ અને 20000ની કિંમતનો ફોન લાપતા થયો હતો.
અગાઉ 3 ફરિયાદો મળી હતી.
અગાઉ પણ 3 ફરિયાદો નોંધાઈ ચુકી છે. જેમાંથી બે ફરિયાદ તો 18મી મેના રોજ દાખલ થઈ છે. એક ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે 10,000 રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાની સોનાની બુટ્ટી અને વીંટીની ચોરી થઈ છે. જ્યારે એક ફરિદાયમાં અમરાઇવાડી વિસ્તારમાંથી 2જી મે ના રોજ ઓ-5ના આઇસીયુ વોર્ડના બેડ નંબર 84માં દાખલ થયેલા બિંદુબેન શિવપૂજન રાજપૂત 11મી મે એ મૃત્યુ પામ્યા છે. તેઓ જ્યારે દાખલ થયા હતા ત્યારે તેમને સોનાના દાગીના પહેર્યા હતા. તપાસ કરી તો તેમના કાનની બે બુટ્ટી, નાકની ચૂની, મોબાઇલ ફોન અને ચાર્જરની ચોરી થઇ છે.
મનપા કાઉન્સિલરે લખ્યો તો CM રૂપાણીને પત્ર
.
અમદાવાદના અમરાઇવાડીના મ્યુનિસિપલ કાઉન્સિલર જગદીશ રાઠોડે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટને એવી ફરિયાદ કરી છે કે એશિયાની નામાંકિત હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. આ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ બે થી ત્રણ દિવસ ગાયબ રહે છે અને છેવટે મૃત્યુ પામેલી હાલતમાં તેમના મૃતદેહ મળે છે. ખૂબ શરમજનક બાબત છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા જઇ શકતા નથી અને દર્દી હોસ્પિટલને હવાલે હોય છે ત્યારે આવી ઘટના બને તે અત્યંત ગંભીર છે. આ દાગીના અને ચીજવસ્તુની ચોરી કરનારા તત્વોને પકડીને તેમને સજા કરવી જોઇએ. આ મ્યુનિસિપલ કાઉન્સિલરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને અમદાવાદના પોલીસ કમિશનરને પણ પત્ર લખી જાણ કરી છે. અહી પ્રશ્ન એ થાય છે કે દર્દીના માલાસામાનની ચોરી થાય છે ત્યારે સલામતીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.