કોરોના સંકટ / અમદાવાદના મ્યુનિ. કમિશનર વિરૂદ્ધ કોરોના અટકાવવામાં બેદરકારી બદલ હાઈકોર્ટમાં પિટિશન.

કોરોના મહામારીએ અમદાવાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એવું કહીએ તો નવાઈ નહીં. 50 દિવસમાં 5500 જેટલાં કેસો એ સમગ્ર અમદાવાદને દેશનું કોરોના અંગેનું ચર્ચા કેન્દ્ર બનાવી દીધું છે. જ્યારે કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ કોર્પોરેશન કે ગુજરાત સરકાર નહીં કેન્દ્ર સરકાર પણ કામે લાગી છે. આ વચ્ચે AMC કમિશનરે 7 મેંથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત વિરૂદ્ધ અને અધિકારીઓની કોરોના સંક્રમણ અટકાવવાની બેદરકારી અને અણઆવડતના દાવા સાથે એક અરજદારે કમિશનર સહિત અધિકારીઓ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે.
અરજદારની પિટિશન કોરોનાનું સંક્રમણ વધશે તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી
સંપૂર્ણ લોકડાઉનની અચાનક જાહેરાતથી લોકોમાં અફરાતફરી મચી છે
અધિકારીઓની અણઆવડતથી હજુ પણ સંક્રમણ વધવાનો ભય.
વિજય નહેરાના નેતૃત્વમાં અમદાવાદ કોર્પોરેશનની કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી નિષ્ફળ રહી એવું માની તેને કોરોન્ટાઈન કરાયા ત્યારબાદ ગુજરાત સરકારે મુકેશ કુમારને અમદાવાદના નવા કમિશનર બનાવ્યા. જો કે મુકેશ કુમારની સાથે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાં રાજીવ ગુપ્તાને પણ સ્પેશિયલ ડ્યુટીમાં નિરિક્ષક બનાવાયા. આ બંને જવાબદારીમાં આવતાં જ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ. આથી અકળાઈને અમદાવાદના એક અરજદારે તમામ અધિકારીઓની અણઆવડત વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે.
અરજદારે હાઈકોર્ટની પિટિશનમાં ઉલેખ્યું છે કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી છે. અચાનક બહાર પાડવામાં આવેલાં જાહેરનામાથી અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ હજુ વધવાનો ભય છે. આ ઉપરાંત જો કોરોનાનું સંક્રમણ હજુ વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગેની પિટિશન બાબતે હાઈકોર્ટ આગળ સુનાવણી કરશે.