અચાનક જ ગૃહમંત્રી અમિત શાહ થયા સક્રિય, લોકડાઉનને લઈને થઈ શકે છે મોટી જાહેરાત.
કોરોના વાયરસની મહામારીને નાથવા માટે ભારતમાં હાલ ચોથુ લોકડાઉન ચાલી રહ્યું છે. જે આગામી 31મી મે એ પુરૂ થવા જઈ રહ્યું છે. જોકે હવે એવા પણ અહેવાલ મળી રહ્યાં છે કે, હજી ભારતમાં લોકડાઉન 5 લાગુ કરાવમાં આવી શકે છે. વડાપ્રધાન મોદી ‘મન કી બાત’માં લોકડાઉનની 5.0ની જાહેરાત કરે તે વાતનું ખંડન કર્યાના એક જ દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સક્રિય બન્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લૉકડાઉન-4 પર ગુરૂવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. તેમણે લૉકડાઉન 4.0ને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓના વિચાર જાણ્યા છે. અમિત શાહે લૉકડાઉન 4.0ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે 31 મે બાદ લૉકડાઉન પર તેમના રાજ્યોનો અભિપ્રાય અને આગળ શું વિચારે છે તેના પર તેમના વલણો જાણ્યા હતા. શું દેશમાં લૉકડાઉન 5.0 લાગૂ થશે, હાલ બધાની નજર તેના પર છે.
લૉકડાઉન ચાર પૂરુ થતાં પહેલા લૉકડાઉન-5 આવવાની શક્યતા જોવા મળી રહી છે. 31 મેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી મનકી બાતમાં ઘણું સ્પષ્ટ કરી શકે છે. સૂત્રોએ તે પણ જણાવ્યું કે, બે સપ્તાહ માટે લૉકડાઉન વધવાનું નક્કી છે. જોકે મન કી બાતમાં લોકડાઉન 5.0ની જાહેરાત કરવાની વાતને ગૃહમંત્રાલયે ફગાવી દીધી હતી. પરંતુ ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર સક્રિય બનતા આ અટકળોને ફરી એકવાર વેગ મળ્યો છે.
સરકાર વધુ છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. પરંતુ જે જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, તેને આ વખતે પણ રાહત મળવાની આશા ઓછી છે. સૂત્રો પ્રમાણે, લૉકડાઉન 5માં 11 શહેરો પર કડક પગલાં જારી રહેશે. આ તે શહેર છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે.
દેશના આ શહેરો રહેશે પ્રતિબંધો?
દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તામાં કોરોના વાયરસની વધારે અસર જોવા મળી રહી છે. આ 11 શહેરોમાં ભારતના કુલ સંક્રમિત કેસોના 70 ટકા મામલા સામે આવ્યા છે, જ્યારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકત્તા અને મુંબઈમાં આ વધુ ખતરનાક છે. અહીં દેશના કુલ દર્દીઓના 60 ટકા લોકો છે. જેથી આ શહેરોમાં છુટછાટ આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે.