‘પોઝિટિવ ગલી’…અમદાવાદની બદથી બદતર સ્થિતિ અંગે ‘સંદેશ ન્યૂઝ’ પર સૌથી મોટો પર્દાફાશ.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આખા વિશ્વના 41 લાખથી વધુ લોકોને પોતાના ભરડામાં લીધા છે જ્યારે 2,80,000થી વધુ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના, હાલ વિશ્વની મહાસત્તાથી લઈ નાના દેશો સુધી એમ તમામની સામે મુખ્ય પડકાર છે અને તેમાંથી આપણો દેશ પણ બાકાત નથી. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ભયંકર ગતિએ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને ઘણા લોકોએ પોતોના જીવ પણ ગુમાવ્યા છે. તેમાં પણ અમદાવાદની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અમદાવાદની પ્રજા માટે આ કોરોના કેમ વિનાશક સાબિત થયો તેની સ્ફોટક અને સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી છે. અમદાવાદની વાસ્તવિક સ્થિતિ શું છે તેનો જમીની ચિતાર હવે ‘સંદેશ ન્યૂઝ’ તમને આપશે.
‘સંદેશ ન્યૂઝ’નું ‘ઓપરેશન પોઝિટિવ ગલી’:
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સતત હસતું રમતું અને આગળ વધતુ શહેર છે પરંતુ આજે તે થંભી ગયું છે. વૈશ્વિક મહામારીએ આ શહેરને એવું જકડ્યું છે કે તેમાંથી ક્યારે સુરક્ષિત બહાર આવશે તે કોઈને ખબર નથી. પરંતુ આજે ‘સંદેશ ન્યૂઝ’ના ‘ઓપરેશન પોઝિટિવ ગલી’માં અમે આપને અમદાવાદની એવી સ્થિતિ અંગે બતાવીશું જેને હાલ કોરોનાએ સૌથી વધુ બાનમાં લીધી છે. કોરોના મહામારી વચ્ચે શહેરની ચાલીઓ અને પોળોમાં વસતુ અમદાવાદ જેમાં વસતા લોકોની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે. ‘સંદેશ ન્યૂઝ’ના ‘ઓપરેશન ગલી’માં એવી જ વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરવામાં આવ્યો જેની સરકારે અવગણના કરી. ઉપરાંત, એ તમામ કારણો અને તેના પરિણામો જેને કારણે અમદાવાદની આ પ્રજા ખતરનાક સ્થિતિમાં ધકેલાઈ ગઈ છે.