અલર્ટ / પ્રતિ 10 લાખ વસતીએ કોરોનાથી મોત મામલે અમદાવાદ ભારતમાં ટોપ પર.
કોરોનાએ હવે ભારતમાં કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે અને એમાંય અમદાવાદ, મુબંઈ, દિલ્હી, કોલકત્તાની હાલત તો સાવ ખરાબ છે. મુંબઈમાં કોરોનાનો ભરડો દેખીતો છે પણ વસતીની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેનાથી અડધા કરતા પણ ઓછી આબાદી ધરાવતું અમદાવાદ કોરોનાથી મોત મામલે આખા ભારતમાં અવ્વલ છે. અમદાવાદમાં પ્રતિ 10 લાખે 124 લોકોના મોત થયા છે.
- અમદાવાદમાં 953 લોકોના મોત
- લૉકડાઉન હોવા છતાં કેસ વધતાં રહ્યાં
- 70 લાખથી વધુની વસતી વાળા શહેરોમાં અમદાવાદ અવ્વલ
દર 10 લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી 124 લોકોના મોત (5 જૂન, 2020 સુધીના આંકડાને આધારે) થયા છે. જ્યારે મુંબઈ દર દસ લાખે 80ના મોત સાથે બીજા નંબરે છે. પૂણે અને દિલ્હીમાં અનુક્રમે 55 અને 32ના મોતનો આંકડો સામે આવે છે. ગુજરાતના બીજું શહેર જ્યાં વસ્તીને આધારે મોતનો આંકડો જોઈએ તો સુરતમાં પ્રતિ દસ લાખની વસ્તીએ 10ના મોત થયા છે. આ શહેરોમાં સૌથી ઓછો દર હોય તો તે છે બેંગલુરુનો. અહીં પ્રતિ દસ લાખે કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર 1 છે. કેસ ફૅટિલિટી રેટ (CFR) એટલે કે કોરોનાના દર 100 દર્દીઓએ થતાં મોતના પ્રમાણની વાત કરીએ તો તેમાં પણ 7.0 ટકા સાથે અમદાવાદનો નંબર પહેલો છે.
અમદાવાદનો નંબર વન
શહેરમાં ટેસ્ટ ઓછા થતાં હોવાથી CFR ઘણો ઉંચો
અમદાવાદનો CFR 6.0 થાય છે. શહેરમાં ટેસ્ટ ઓછા થતાં હોવાથી CFR ઘણો ઉંચો છે. જોકે, દર દસ લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી જેટલા મોત થયા છે તે બતાવે છે કે શહેરમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. અમદાવાદમાં ન માત્ર ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી તેવું આ આંકડા દર્શાવે છે.
લૉકડાઉન હોવા છતાં કેસ વધતાં રહ્યાં
મહત્વનું છે કે ભારતમાં લૉકડાઉનનું કડકપણે પાલન કરાયું હોવાના દાવા કરવામાં આવ્યા હતાં. પરંતુ જે રીતે કેસ અને મોતનો આંકડો જોવા મળી રહ્યો છે તેનાથી કોઈ ખાસ અસર જોવા મળી નથી. આ ઉપરાંત અમદાવાદ સહિત મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે કૉવિડ-19 સ્પેશ્યલ હોસ્પિટલ્સ ઊભી કરવામાં તંત્રની ઉદાસીનતા દેખાઈ હતી. જેના પગલે કેસ વધતાં રહ્યાં અને હોસ્પિટલ્સમાં દર્દીઓ માટે બૅડ મળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ. 2 મહિના જેટલો લૉકડાઉન દરમ્યાન મળેલા સમયમાં પણ કંઈ ખાસ સુવિધાઓ ઊભી કરાઈ નહીં તેવા આરોપો લાગ્યાં છે અને કદાચ તેની જ સાબિતી હવે આ આંકડાઓ આપી રહ્યાં છે.
અમદાવાદમાં 953 લોકોના મોત
અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધીમાં 968 લોકોના મોત છે. મુંબઈમાં 1,698 બાદ અમદાવાદ કુલ મૃત્યુઆંકમાં બીજા નંબરે આવે છે. ત્યારબાદ દિલ્હી 650 લોકોના મોત સાથે ત્રીજા નંબરે આવે છે. બેંગલુરુમાં માત્ર 428 કેસ નોંધાયા છે અને મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર 14 છે.
ન્યૂ યોર્ક કરતા પણ અમદાવાદનો CFR વધારે
સમગ્ર વિશ્વમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસ છે એવા અમેરિકાના ન્યૂ યોર્ક શહેરની સરખામણી અમદાવાદ સાથે કરીએ તો ન્યુયોર્ક કરતાં પણ અમદાવાદનો CFR (કોરોના કેસમાંથી મૃત્યુ થયેલા) વધારે છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસના 7% જેટલો મૃત્યુદર છે. જ્યારે ન્યુયોર્ક જેવા ન્યૂ યોર્કનો મૃત્યુદર 6.7 ટકા છે. ન્યુયોર્કમાં કોરોનાના કેસની સંખ્યા 3.83 લાખ પર છે જ્યારે મૃત્યુ 30 હજાર થયા છે. જો ન્યુયોર્કના સરેરાશ મૃત્યુ જોઈએ તો 6.7 ટકા મૃત્યુદર આવે છે. (5 જૂન, 2020 પ્રમાણએ)
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ગુજરાતમાં કોરોનાનું તાંડવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ગઈ કાલે એકજ દિવસમાં સૌથી વધુ રાજ્યમાં કોરોનાના આજે 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,119 થયો છે. આજે 344 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,918 છે. રાજ્યમાં કુલ 13,011 દર્દી સારવાર લઇને ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક વધીને 1,190 થયો છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે