રાજનીતિ / કોરોનાના કારણે મુલતવી રખાયેલી રાજ્યસભાની ચૂંટણી 19 જૂને યોજાશે, ગુજરાતની 4 બેઠકો પર જામશે જંગ.
70 દિવસ બાદ દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.
- 19 જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી
- 18 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે
- ગુજરાતમાં 4 બેઠકો પર યોજાશે રાજ્યસભાની ચૂંટણી
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણી આગામી 19 જૂને યોજાશે. 19 જૂને સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન થશે. એજ દિવસે સાંજે 5 વાગે મતગણતરી શરૂ કરાશે.
ગુજરાતમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો છે મેદાને
ગુજરાતની 4 બેઠકો પર 5 સભ્યોએ ફોર્મ ભર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે. બીજી બાજુ ભાજપ તરફથી નરહરી અમિન, અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા ઉમેદવાર છે.
અમે કાલે પણ જીતવાના હતા અને આજે પણ જીતીશું: અભય ભારદ્વાજ
રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણીની નવી તારીખો જાહેર થઈ હતી જેમાં ગુજરાતની 4 બેઠકો પર યોજાશે. નવી તારીખો બાદ ભાજપ તરફથી ઉમેદવાર અભય ભારદ્વાજે પ્રતિક્રિયા આપી હતી કે અમે કાલે પણ જીતવાના હતા અને આજે પણ જીતીશું.
આ અંગે નરહરી અમીને કહ્યું કે કોંગ્રેસનું ઘર પહેલેથી ભાંગેલુ છે. કોંગ્રેસના જ મિત્રો જીતાડવામાં મદદ કરશે. BTP અને NCPના ધારાસભ્યો ભાજપને મત આપશે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
શું કહે છે બંધારણ?
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે